શહેરમાં માનવસર્જિત પૂર હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
શહેરમાં પૂરને લઈ કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ
‘HM અને CM શરમ કરો, શરમ કરો’ના નારા લાગ્યા
પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ
કલેક્ટર કચેરીએ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરાય
વડોદરા શહેરમાં માનવસર્જિત પૂરમાં અનેક નાગરિકોને ખૂબ મોટું નુકશાન થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે. કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીએ હાય રે... ભાજપ હાય... હાય...ના નારા લગાવ્યા હતા. આ સાથે જ વડોદરા કલેક્ટરને આવેદન પત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
જેમાં ફક્ત 5 વ્યક્તિને આવેદન આપવા જવાનું જણાવતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં પ્રવેશી ગયા હતા. આ દરમ્યાન પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું થયું. આ રજૂઆતમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષી, જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર બિજલ શાહએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની રજૂઆતમાં સરકારી જમીનો પર વિશ્વામિત્રી નદીના દબાણો પગલે આ અંગેનું જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ તંત્ર સર્વે કરવામાં આવશે.
આ દબાણો અંગે જે કોઈ રજૂઆતો હશે તેની તપાસ કરવામાં આવશે. આ સાથે અમારી પાસે રહેલી જગ્યાની અમારી યાદી છે. તે અંગેના અપડેટમાં પહેલાના સમયમાં અને હાલના સમયની સ્થિતી જોવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, શહેરમાં સફાઈ સાથે આરોગ્યલક્ષી જે કોઈ કામગીરી છે, તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.