વડોદરા કોર્પોરેશન દ્વારા 10 સ્માર્ટ રોડ પૈકી સોમા તળાવ-કપુરાઈને જોડતા સ્માર્ટ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી ગટર ઉપર નાખવામાં આવેલ ઢાંકણોની એંગલો તૂટેલી હોય તેમ છતાં સુપરવાઇઝરે યોગ્ય ધ્યાન નહીં આપતા લોકોના જોખમને આમંત્રણ મળી રહ્યું છે.
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડ જામી છે. વડોદરામાં 10 સ્માર્ટ રોડ તૈયાર કરવામાં આવનાર છે. જે પૈકી સોમા તળાવ અને કપુરાઈને જોડતા સ્માર્ટ રોડની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ અહીં ઇજારદાર દ્વારા વરસાદી ગટર ઉપર જે લોખંડના મજબૂત ઢાંકણ ફિટ કરવામાં આવ્યા છે. તેમાં ઢાંકણોની એંગલ તૂટેલી હોય જેથી ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપે તેમ છે. આ ઉપરાંત રોડમાં કેટલીક જગ્યાએ કામગીરી પણ અધૂરી છે, ત્યારે રોડની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને તેનું સુપરવિઝન પણ યોગ્ય કક્ષાએથી થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ, સોમા તળાવથી મહાનગર સુધી બની રહેલા નવા રોડની પણ યોગ્યતા જળવાઈ અને ઠોસ કામગીરી થાય તેવી માંગ પણ ઉઠી છે.