વડોદરા : દશામાની મૂર્તિના વિસર્જન વેળાએ મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, 2 લોકોના મોત...

દશામાની મૂર્તિના વિસર્જન વેળા યુવાનો ડૂબવાના 2 બનાવો, 5 યુવાનો ડૂબતાં ફાયર ફાઇટરોને 2ના મૃતદેહ મળી આવ્યા.

New Update
વડોદરા : દશામાની મૂર્તિના વિસર્જન વેળાએ મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, 2 લોકોના મોત...

વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં 2 અલગ અલગ બનાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલ 5 યુવાનો ડૂબ્યા હતા. જેમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોની શોધખોળ કરવામાં આવી હતી.

વડોદરા શહેર તથા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાતો દશામા મહોત્સવ આજે માતમમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત 2 યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાન ડૂબી ગયા હતા. 

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રજ્ઞેશ માછી સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિનું પરિવાર સાથે વિસર્જન કરવા માટે ગયો હતો. તેની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો 24 વર્ષીય સાગર કુરી પણ ગયો હતો. આ દરમ્યાન પ્રજ્ઞેશ માછી ચેકડેમ પાસે જતાં ધસમસતા પાણીમાં તણાવા લાગ્યો હતો. 

પ્રજ્ઞેશને તેનો મિત્ર સાગર કુરી પણ પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી બન્ને મિત્રો લાપતા થઇ ગયા હતા. તો બીજી તરફ, વડોદરાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાનો સંજય ગોહિલ, કૌશિક ગોહિલ અને વિશાલ ગોહિલ પણ પરિવારજનો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામે મહી નદી ખાતે ગયા હતા, ત્યારે મૂર્તિના વિસર્જન વેળા ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણેય યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા. 

બનાવના પગલે નદી કિનારે પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. આ બન્ને બનાવોની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કોરની અલગ-અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. જેમાં ફાયરબ્રિગેડને 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 3 યુવાનની શોધખોળ કરવામાં આવી હતી.

Latest Stories