Connect Gujarat
વડોદરા 

વડોદરા : કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર શખ્સની અટકાયત, જુઓ કઈ વાતની રીસ રાખી ભર્યું હતું પગલું..!

કલેક્ટર કચેરીમાં લાગેલી આગની તપાસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે CCTVની તપાસ કરતા તેમાંથી એક શખ્સ કચેરીમાં જતો

X

વડોદરાની કલેક્ટર કચેરીમાં લાગેલી આગની તપાસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે CCTVની તપાસ કરતા તેમાંથી એક શખ્સ કચેરીમાં જતો અને આગ લાગ્યા બાદ બહાર આવતો નજરે પડ્યો હતો. પોલીસે તેને શોધી કાઢી તેની પુછપરછ કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો હતો. અને આ કરવા પાછળનું કારણ સવા વર્ષ પહેલાની ઘટના જવાબદાર હોવાનું જણાવ્યું હતું. DCP તેજલ પટેલે જણાવ્યું હતું કે, ગત તા. 13 નવેમ્બર 2023ના રોજ વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગી હતી. તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં કલેક્ટર કચેરી અને તેની આસપાસમાં લગાડવામાં આવેલી CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો હતો. પોલીસ તપાસમાં આ વ્યક્તિ કલેક્ટર કચેરીમાં અંદર જતા અને આગની ઘટના બાદ બહાર જતો જોવા મળ્યો હતો. જે બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને રાવપુરાના ખારીવાવ ખાતે રહેતો 31 વર્ષીય આકાશ સોનાર મળી આવ્યો હતો. સાથે જ બનાવ સમયે સ્થળ પર નજીકમાં હાજર હોમગાર્ડના જવાનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. જે બાદ તેની ઓળખ કરવામાં આવી હતી. ઘટનામાં તેની સંડોવણીના સંયોગીક પુરાવા મળતા અટકાયત કરવામાં આવી છે. વધુમાં DCP તેજલ પટેલે જણાવ્યું હતું કે, આ બનાવ પાછળનું કારણ એવું છે કે, સવા વર્ષ પહેલા આ વ્યક્તિ કલેક્ટર ઓફિસમાં જતો હતો. આ દરમિયાન તેને એવું લાગ્યું કે, લેડીઝ ટોઇલેટમાં પાણી પડે છે. એટલે તે ત્યાં ગયો હતો. તેનું કહેવું હતું કે, તે પાણી બંધ કરવા ગયો હતો. આ દરમિયાન કોઇ મહિલા કર્મી ત્યાં હતા. જેથી બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી, અને તેની પાસે માફી પત્ર લખાવવામાં આવ્યું હતું. આ વાતની રીસ રાખીને તેનામાં બદલો લેવાની ભાવના જન્મી હતી. નવરાત્રી વખતે પણ તેણે બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. કાચ નાનો હોવાથી કોઇ ખાસ નોંધ લેવામાં આવી ન હતી, અને તેની તપાસ પણ કરવામાં આવી ન હતી. તપાસમાં આ વાત સંબંધિત પુરાવાઓ પણ મળ્યા છે. DCP તેજલ પટેલે ઉમેર્યું હતું કે, આ ઇસમે આગળના ભાગે પોટલા અને કાગળિયા પડ્યા હતા, ત્યાં તેણે દિવાસળીથી આગ લગાવી હોવાનું જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે, પહેલા માળે પોટલામાં તેણે આગ લગાડી હતી. જે બાદ કાગળિયા હોવાથી આગ ફેલાય હતી. આરોપી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પટાવાળાની નોકરી કરતો હતો. તેના પિતા તરફથી જાણવા મળ્યું છે કે, તે માનસિક રીતે અસ્વસ્થ છે.

Next Story