Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોંગ્રેસના પ્રચાર વેળા રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહનો આક્ષેપ, કહ્યું : ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન વધ્યું

કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહની સભા, ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન : કોંગી નેતા

X

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે, ત્યારે આજે વડોદરા ખાતે કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ મોરબી દુર્ઘટનાને સરકારના વહીવટનું પ્રમાણપત્ર ગણાવી રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ આજે વડોદરા ખાતે કોંગ્રેસના પ્રચાર અર્થે આવી પહોચ્યા હતા, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટનું પ્રમાણપત્ર મોરબી દુર્ઘટના છે, સરકાર આ દુર્ઘટના બાબતે જૂઠું બોલે છે, અને બનાવની તપાસ માટે કોઈ એસઆઇટીનું ગઠન કરાયું હોય તો તેનું હજી નોટિફિકેશન પણ નીકળ્યું નથી. મોરબી ઝુલતા પુલના ઇજારદાર કંપનીના માલિક, કલેકટર અને પ્રશાસન તંત્ર સામે હજુ સુધી કેમ ગુનાઈત દાયિત્વનો કેસ દાખલ કર્યો નથી, એવો સવાલ કોંગી નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યો હતો. દિગ્વિજય સિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં યુ.જી.સી.ની ગાઈડલાઈનનું પાલન થતું નથી. અહીંના વાઇસ ચાન્સેલર પણ યુજીસી ગાઈડલાઈન હેઠળ ક્વોલિફાઇડ નથી. પ્રોફેસરોની જગ્યા ખાલી છે.

એક સમયે વડોદરા ટેક્સટાઇલનું સેન્ટર હતું, જ્યારે આજે વડોદરા આસપાસ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું સેન્ટર બની ગયું છે. એક જમાનામાં પંજાબ ગેટ-વે ઓફ ડ્રગ્સ ગણાતું હતું. જે આજે ગુજરાત બન્યું છે. તેમણે ગુજરાતની ડબલ એન્જિન સરકારને ગરીબોને કચડી નાખતી સરકાર ગણાવી હતી, જ્યારે ગરીબોના હિતો માટે કોઈ કામ થયું નથી એમ તેમણે એક સવાલના પ્રત્યુતરમાં કહ્યું હતુ. તો બીજી તરફ, PM મોદીને અહંકારી રાજા રાવણ સાથે સરખાવતા દિગ્વિજય સિંહે જણાવ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. રાવણનો પણ અહંકાર નહોતો રહ્યો, એમ PM મોદીનો અહંકાર પણ નહીં રહે તેવું પણ વધુમાં કહ્યું હતું.

Next Story