Connect Gujarat
વડોદરા 

વડોદરા : VMCના કર્મીઓની હડતાળના પગલે તંત્ર સફાળું જાગ્યું, બેઠક બાદ હડતાળ સમેટાઈ...

વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી.

X

વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી. એટલું જ નહીં તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરીની ખાતરી આપતા કર્મચારીઓએ પોતાની હડતાળ હાલ પૂરતી સ્થગિત કરતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓએ છેલ્લા 25 દિવસથી પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેમ છતાં કોઈ પ્રતિસાદ ન સાંપડતા કર્મચારી સંગઠનોએ કમિશનરને 6 દિવસનું અલ્ટીમેટમ આપી અચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ણય લીધો હતો, ત્યારે કોર્પોરેશનના અંદાજે 6 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા હતા. અગાઉ અનેક વખત મ્યુ. કમિશનરને રજૂઆત કરવા છતાં પણકોઈ નિર્ણય આવ્યો ન હતો. નવરાત્રી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે અરાજકતા સર્જાય તે અગાઉ મ્યુ. કમિશનરે વડોદરા કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા બેઠક યોજી હતી. જેમાં સકારાત્મક પરિણામ મળતા કર્મચારીઓએ હડતાળ સ્થગિત કરી હતી.

વડોદરા કોર્પોરેશન કર્મચારી મંડળના પ્રમુખ દિનેશ દેવમુરારીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લેબર કોર્ટની અપીલ મુદ્દે કમિટી બનાવી 30 દિવસમાં અભિપ્રાય બાદ અપીલ પરત ખેંચવાની મ્યુનિસિપલ કમિશનરે બાંહેધરી આપી છે. જોકે, કેટલાક પ્રશ્નોનો તબક્કાવાર નિર્ણય આવશે અને અન્ય પ્રશ્નો મુદ્દે લેખિતમાં બાહેધરી આપશે. જેથી હાલ સમગ્ર હડતાળને સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જ સાંજ સુધીમાં કર્મચારીઓ એકત્ર થઈ બાહેધરી અંગે વિચાર-વિમર્સ બાદ આગળનો નિર્ણય જણાવશે. ઉલ્લેખનીય છે કે, કર્મચારી બદલી, 720 દિવસ તેમજ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મીઓને કાયમી કરવા, ડ્રાઇવરનો હોદ્દો આપવો, મહેકમ મુજબની ખાલી જગ્યાઓ ઉપર કાયમી નિમણૂક આપવી, કર્મચારીઓ માટે રીવ્યુ કમિટી બનાવી, ઓવર ટાઈમનું મહેનતાણું ચુકવવું સહિતના 31 જેટલા મુદ્દાઓ અંગે કર્મચારી સંગઠનો લડત ચલાવી રહ્યા છે.

Next Story