Connect Gujarat
વડોદરા 

વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ

વડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે.

X

વડોદરામાં હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આકાર લેનારા આવાસો માટે ફોર્મ વિતરણ શરૂ કરાયું છે. રાવપુરા ખાતે આવેલી એફોર્ડેબલ હાઉસિંગ કચેરી ખાતે ફોર્મ લેવા લોકોની ભીડ જામી હતી.

વડોદરા મહાનગરપાલિકા પાલિકાના ઉપક્રમે શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે. આ આવાસોની ફાળવણી માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા લાભાર્થીઓએ પડાપડી કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગ માટે હરણી, કલાલી ,સુભાનપુરા અને ગોત્રીમાં ઈડબ્લ્યુએસ સ્કીમના 2132 આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. રાવપુરા સ્થિત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીમાંથી ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરાતા લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

હરણી ખાતેની સ્કીમમાં 37 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. તો બાકીની ત્રણ સ્કીમમાં 35 ચોરસ મીટર ક્ષેત્રફળ છે અને તેની કિંમત 5.50 લાખ રાખવામાં આવી છે. ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા કચેરી ખાતેથી આગામી દસ દિવસ સુધીના ટોકન ઈશ્યુ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનએ રાજીવ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1470 ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરી દીધી છે. જ્યારે રાજીવ આવાસ યોજના (સ્લમ) અંતર્ગત 115 કરોડના ખર્ચે કલ્યાણ નગર, સયાજીપુરા, તાંદલજા ખાતે 1,460 આવાસોની મંજૂરી મેળવીને કામગીર પુર્ણ કરી છે .તે પૈકી 347 આવાસોની સોંપણી કરી દેવાય છે જયારે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ એલ.આઈ.જી, એમ.આઈ.જી આવાસો પૈકી 5360 આવાસોની ફાળવણી કરી છે.

Next Story