ગણેશોત્સવનો મહિમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ સરખો જ છે. જે રીતે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઉજવાય છે, તે જ રીતે ગુજરાતમાં પણ ગણેશોત્સવ સાથે મહાલક્ષ્મી અને માઁ ગૌરીનું વ્રત 3 દિવસ માટે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરામાં વસતા મહારાષ્ટ્રિયન પરિવારોએ માઁ ગૌરી મહાલક્ષ્મીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી વ્રતનું સમાપન કર્યું હતું.
સાતમને દીવસે મહારાષ્ટ્રીયન પરિવારો મહારાષ્ટ્રની પરંપરા મુજબ માઁ ગૌરી મહાલક્ષમી વ્રતની ઉજવણી કરતાં હોય છે, ત્યારે આ વર્ષે 12થી 14 સપ્ટેમ્બર સુધી ગૌરી મહાલક્ષ્મીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રતમાં બે બહેનોમાં માઁ પાર્વતી અને મહાલક્ષ્મી માઁની એટલે કે, ગણેશજીના માતૃશ્રી અને માસીજીની સ્થાપના કરવામાં આવે છે. આ વ્રત 3 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
વ્રતના પ્રથમ દિવસે ઘરમાં રંગોળી, હળદી કંકુના હાથના પંજા અને પગના પગલાંના કુમકુમ નિશાન કરી, સોનાના પગલાના જપ અને સ્પર્શ કરી તેની સ્થાપના કરી માતાજીને દાગીનાનો શણગાર કરાવાય છે. જે બાદ નૈવેધમાં વેઢમી અને લાડું ધરાવાય છે. બીજા દિવસે માતાજીનું પૂજન કરી આરતી કરી માતાજીને મીઠાઈ અને પકવાનનો ભોગ ધરાવવામાં આવે છે. આ વ્રતમાં નવોદિત પરણેલી સ્ત્રીઓને આમંત્રિત કરીને જમાડવાનો મહિમા અનેરો હોય છે. સાંજના સમયે તમામ મહિલાઓ ભેગી થઈને હળદી કંકુ તેમજ ભજનની સામૂહિક રમઝટ જમાવે છે, ત્યારે આજે વ્રતના ત્રીજા અને અંતિમ દિવસે માઁ ગૌરીની વિશેષ પૂજા સાથે નૈવેધ ધરાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.