Connect Gujarat
વડોદરા 

વડોદરા : ટ્રેનમાં લૂંટ કરતી આંતરરાજ્ય ટોહના ટોળકી ઝડપાય

આંતરરાજ્ય ટોહના ટોળકીના 4 સાગરીતો ઝડપાયા, સિગ્નલ ફેઇલ કરી ટ્રેનને થોભાવી કરતાં હતા લૂંટફાટ.

X

વડોદરા નજીક રેલ્વે ટ્રેક ઉપર 1 રૂપિયાનો સિક્કો મુકી સિગ્નલ ફેઇલ કરી મોડી રાત્રે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ કરતી આંતર રાજ્ય ટોહના ટોળકીના 4 સાગરીતોને વડોદરા રેલ્વે પોલીસ તંત્રના લોકલ ક્રાઇમ બ્રાંચ અને RPFએ હરીયાણાથી ઝડપી પાડ્યા છે. રેલ્વે ક્રાઇમ બ્રાંચે આ ટોળકી પાસેથી રૂપિયા 11 હજાર ઉપરાંત રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 13.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પશ્વિમ રેલ્વે વિભાગના પોલીસ વડા પરિક્ષીતા રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 19મી જૂનના રોજ વરેડીયા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રાત્રે 1થી 3 વાગ્યા સુધીમાં પસાર થયેલ અવંતિકા એક્સપ્રેસ, મૈસુર એક્સપ્રેસ અને વાપી તેમજ કરમબેલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ભુજ-બાન્દ્રા તથા વેરાવળ-પૂને એક્સપ્રેસ પસાર થતી હતી, ત્યારે સિગ્નલ ફેઇલ કર્યા બાદ એન્ગલ કોક બંધ કરી ટ્રેનો રોકીને તેમાં ચઢી જઇ મુસાફરોના સરસામાનની ચોરીની ઉપરા-છાપરી ઘટનાઓ બની હતી.

આ ઘટનાઓ બાદ રેલ્વે એલ.સી.બી. પી.આઇ., પોલીસ સ્ટાફ અને RPFની ટીમને આ ટોળકીને ઝડપી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ દરમ્યાન પોલીસને આ ટોળકી હરીયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહના ગામમાં હોવાની બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટોળકીના મુખ્ય સુત્રધાર રાહુલ ચેનારામ ધારા, દિપક મહેન્દ્રસિંહ, સુખબિર ઉર્ફ છોટુ મહેન્દ્રસિંહ દલાવારા અને સન્ની ઉર્ફ સોની પુરણ ફુલ્લાની ધરપકડ કરી હતી. પોલીસે આ ટોળકી પાસેથી રૂપિયા 11,920 રોકડ, 220.650 ગ્રામ સોનુ, 500 ગ્રામ ચાંદી, કાંડા ઘડિયાળ, મોબાઇલ ફોન અને ગુન્હાના કામમાં વપરાતી કાર સહિત કુલ 13,87,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રેલ્વે પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ટોહના ટોળકીના સાગરીતો ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની લાંબા રૂટની ટ્રેનમાંથી ચોરી કરતા હતા. હાઈવે નજીક જ્યાં રેલ્વે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આ ટોળકી પહોંચી રેલ્વે ક્રોસિંગ પર આવેલા ટ્રેકના બેરિકેડ પર લોખંડનો સળિયો અથવા 1 રૂપિયાનો સિક્કો મૂકી સિગ્નલ RED કરી ટ્રેન થોભવતા હતા. ત્યારપછી સિગ્નલ ગ્રીન ન થાય ત્યાં સુધીમાં આ ગેંગ ટ્રેનમાં લૂંટફાટ કરીને ફરાર થઈ જતી હતી.

સિગ્નલ ફેઇલ કરી ટ્રેનને થોભાવી કરતાં હતા લૂંટફાટજૂન માસમાં આરોપીઓએ 7 ઉપરાંત ટ્રેનોને લૂંટી હતી. જેમાં આબૂ નજીક બીકાનેર-દાદર-રણપુર એક્સપ્રેસ, અવંતિકા એક્સ, ગુજરાતનાં ભરૂચ નજીક અજમેર-મૈસૂર એક્સ., વાપી નજીક બાંદ્રા-ભુજ એક્સ., મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પોરબંદર-હાવડા એક્સ., મધ્ય પ્રદેશના મક્સી નજીક જયપુર-હૈદરાબાદ એક્સ. તથા ક્વોટા નજીક જયપુર-સિકંદરાબાદ એક્સપ્રેસમાં લૂંટની ઘટનાને આંજામ આપ્યો હતો, ત્યારે આ ટોહના ટોળકી વિરુદ્ધ ટ્રેનોમાં ચોરી-લૂંટ કરવાની સાથોસાથ અન્ય 13 જેટલા ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. જોકે, આ ટોળકીના સાગરીતોની વધુ પૂછપરછમાં હજુ અનેક ગુન્હાઓનો ભેદ ઉકલાશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story