દાસના દાસનું ઉપનામ મેળવનારા તથા લાખો યુવાનોને વ્યસનમુકત બનાવનારા હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે. વડોદરા નજીક આવેલાં સોખડા ખાતે આવેલાં મંદિર પરિસરમાં જ સ્વામીજીને અગ્નિદાહ આપવામાં આવ્યાં હતાં.
યોગી ડીવાઇન સોસાયટીના સ્થાપક હરીપ્રસાદ સ્વામીનો નશ્વરદેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે. હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની જૈફ વયે બ્રહમલીન થયાં હતાં. તેમના નશ્વર દેહને સોખડાના મંદિર ખાતે ભકતોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આજે રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવ્યો હતો. લગભગ સાડા ચાર કલાક સુધી ચાલેલી વિધિ બાદ સ્વામીજીના દિવ્યદેહને અગ્નિદાહ માટે લઇ જવાયો હતો. હજારો હરિભકતોએ અશ્રુભીની આંખે તેમના પ્રિય સ્વામીને અંતિમ વિદાય આપી હતી.