ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનું બિલ્લીપગે આગમન થઇ રહયું છે તો બીજી તરફ દિવાળીનું વેકેશન આવી રહયું છે. દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહયાં છો તો વડોદરાથી 70 કીમી દુર આવેલાં કડા ડેમની અવશ્ય મુલાકાત લેજો.....
કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટી પર આવી રહી છે અને લોકો મસ્તીથી તહેવારોની ઉજવણી કરી રહયાં છે. હવે દિવાળી વેકેશન આવી રહયું છે ત્યારે અમે તમને એક ફરવાલાયક સ્થળ બતાવવા જઇ રહયાં છે. આ જગ્યાએ તમે પર્વતો, જંગલો, નદીઓ, સરોવરો, ઝરણાં,વન્ય જીવો અને ભાત- ભાતના પક્ષીઓને તમે જોઇ શકશો.. વડોદરા નજીક પંચમહાલ જિલ્લામાં અંદાજે રસ્તા માર્ગે ૭૦ થી ૮૦ કિમીના અંતરે જાંબુઘોડા અભ્યારણ્યમાં કડા જળાશય આવેલું છે. અહીં કોઈ ડેમ ન હોવા છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે.કદાચ એની ત્રણ બાજુ નાની ટેકરીઓની કુદરતી દીવાલ હોવાથી આ નામ પડ્યું હશે.મૂળભૂત રીતે આ ખૂબ નાનું,સિંચાઇ વિભાગના તાબા હેઠળનું તળાવ છે જેના પાણીનો લાભ નજીકના ધનપરી અને કડા ગામના ખેડૂતોને મળે છે.
નાની મોટી પર્વતમાળાઓ ઉપરથી રેલાતું વરસાદી પાણી આ તળાવનો મુખ્ય જળ સ્રોત છે.નબળાં ચોમાસે જ્યારે પાણી ખૂટી જાય ત્યારે ઉનાળામાં તળાવને સુખી કેનાલની મદદથી ભરવામાં આવે છે જે ખેતીની સાથે વન્ય જીવોની તરસ છીપાવે છે અને પક્ષીઓને પોષે છે. વડોદરાથી હાલોલ - શિવરાજપુર થઈને અને ડભોઇ અને બોડેલીના રસ્તે જાંબુઘોડા પહોંચી શકાય છે.કડા ડેમએ સાદરાના જંગલમાં ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર છે. ઝંડ હનુમાન દાદા અને તરગોળ સિંચાઇ તળાવ એક બીજા સાથે સંકળાયેલા છે અને લગભગ ૨૫ થી ૩૦ કિલોમીટરના વન ભ્રમણ માટે મસ્ત ગણાય એવા છે.
કડા ડેમ વિસ્તારમાં બારેમાસ વિવિધતાસભર દેશી પક્ષીઓ જોવા મળે છે તેની સાથે આ તળાવથી બનતા વેટલેન્ડને લીધે શિયાળામાં અહીં યાયાવર પક્ષીઓના નાના સમૂહો પણ આવે છે. અહીંના પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો ગામલોકોની મંડળીઓ દ્વારા સંચાલિત છે.તેઓ પ્રવાસીઓનું સાદું સ્વદેશી ભોજન અને નાસ્તો તેઓ ઉપલબ્ધ કરાવે છે.જાંબુઘોડા અભયારણ્યની ખાસિયત એ છે કે આરક્ષિત જંગલ વચ્ચે ગામો અને ખેતરો આવેલા છે.એટલે માનવ અને પ્રકૃતિના સહજીવનનું ઉત્તમ વાતાવરણ અહીં જોઈ શકાય છે. આ વન વિસ્તારની મુલાકાત લેવા માટે શરદ ઋુતુથી લઈને શિયાળા સુધીનો સમય ઉત્તમ ગણાય છે.