Connect Gujarat
વડોદરા 

વડોદરા : વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી, કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું

લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

X

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે આખરે પીછેહઠ કરીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતાં વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ, છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે, તેવા કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા. જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો હતો. આ બેઠક પર 1 વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવનાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા માટે અગાઉ 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી હતી. અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં હતા. આ બેઠક પર 1 લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારે આ ભાજપ-કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બંને તેવી પુરી શક્યતાઓ છે. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે. તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી. તો બીજી તરફ, મતદારોનો મિજાજ કોને પક્ષે ફરે છે તે પણ આ બેઠક પર ખૂબ જ જરૂરી બનશે.

Next Story