Connect Gujarat
વડોદરા 

“વડોદરા કે છોટે રાજા” : ગોરવાના શ્રીજી ભક્તે 1 ઈંચની શ્રીજી પ્રતિમા પ્રસ્થાપિત કરી, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા એક શ્રીજી ભક્તે 1 ઈંચની શ્રીજી પ્રતિમાને પોતાના ઘરે પ્રસ્થાપિત કરી છે

X

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા એક શ્રીજી ભક્તે 1 ઈંચની શ્રીજી પ્રતિમાને પોતાના ઘરે પ્રસ્થાપિત કરી છે, ત્યારે હાલ તો… વડોદરા કે છોટે રાજાની પ્રતિમાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનો માહોલ સર્જાયો છે. દરેક પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, તથા શહેરના ઘરે ઘરે પણ ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગોરવા વિસ્તારના ગણેશ ભક્તે મુંબઈથી ખાસ એક ઇંચની ગણેશ પ્રતિમા બનાવડાવી છે. ગોરવા વિસ્તારની બજરંગ સોસાયટીમાં રહેતા હિતેશ પટેલે પ્રથમવાર પોતાના ઘરે 1 ઇંચની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ “વડોદરા કે છોટે રાજા”ની સ્થાપના કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન હું મુંબઈ જતો હોવ છું, અને તમામ ગણેશજીના દર્શન કરીને 10મા દિવસે પાછો વડોદરા આવું છું. ગત વર્ષે મુંબઈમાં 1 ઇંચની ગણેશ મૂર્તિ બનાવતા કલાકાર સાથે મુલાકાત થઈ હતી, અને તેમની આ કલા જોઈને અને હું પણ ગણેશ ભક્ત છું એટલે આ વર્ષે અમારા ઘરે 1 ઇંચના ગણેશજીની સ્થાપના કરી છે. વડોદરામાં આજ દિન સુધી ક્યાંય 1 ઇંચની મૂર્તિની સ્થાપના કરાય નથી. મુંબઈના કલાકાર નિતેશ મિસ્ત્રીને આ એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ કલાકાર વર્ષ દરમિયાન ફક્ત 11 જ મૂર્તિ બનાવતા હોય છે. તેથી 1 વર્ષ અગાઉથી તેઓ તૈયારીમાં જોતરાય જાય છે. ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી હોવાથી ઘરે જ વિસર્જન કરવામાં આવશે, અને આ પ્રતિમાને વિસર્જિત થતા ફક્ત 15 મિનિટ જેટલો જ સમય લાગશે તેવું પણ શ્રીજી ભક્ત હિતેશ પટેલે જણાવ્યુ હતું.

Next Story