Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઉત્તર ઝોનના 13 વિસ્તારોમાં સ્થાનિકોને મળે છે પીવાનું "દૂષિત" પાણી, સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

શહેરના ઉત્તર ઝોનમાં 13 જેટલા વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે

X

વડોદરાના વિવિધ વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વ્યાપક બની છે, ત્યારે શહેરના ઉત્તર ઝોનમાં 13 જેટલા વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જોકે, વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં 13 જેટલા વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન વ્યાપક બન્યો છે. વારંવાર દૂષિત પાણી મળવું, એક સાથે અસંખ્ય ઘરમાં દૂષિત પાણી આવવું પાણી પુરવઠા વિભાગ તેમજ પબ્લિક હેલ્થ લેબોરેટરીના રેકોર્ડ મુજબ શહેરમાં 34 સ્થળો દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આ 34 સ્થળોમાં 13 ઉત્તર ઝોનમાં આવેલા છે. આ 13 સ્થળોમાંથી માત્ર વોર્ડ નંબર 13માં જ 8 સ્થળો છે. જેની આશરે 45 હજાર જેટલી વસ્તી છે.

જે ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. કોર્પોરેશનમાં રોજ આ વિસ્તારની ફરિયાદ હોય છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના જણાવ્યા મુજબ નવાપુરા પંપીંગ સ્ટેશનમાં મોટરો ક્ષમતા મુજબ ન હોવાથી બરાબર કામ કરતી નથી. કૂવો ભરેલો રહે છે અને તેના લીધે લાઈનો ભરેલી હોવાથી પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જાય છે, ત્યારે માત્ર પ્રેશર લાઈન બદલવાથી કામ થવાનું નથી. કૂવો ખાલી રહેવો જોઈએ અને મોટરો બદલવાની માંગ ઉઠી છે.

જે 8 સ્થળો છે તેમાં કેવડા બાગ સુધીની લાઈન, નવાપુરા અન્સારી મહોલ્લો, ભાટ ફળિયા, મરાઠી મહોલ્લો, આર.વી.દેસાઈ રોડ, ગોદડીયા વાસ, રબારીવાસ, એસઆરપી ગેટ અને કેવડાબાગ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. કોર્પોરેશન હવે આ વિસ્તારમાં નવી લાઈન નાખવા ઉપરાંત વ્યક્તિગત કનેક્શનના પાઈપ બદલશે, તૂટેલી ડ્રેનેજ લાઈન રિપેર કરશે, મેઇનહોલ ડ્રેનેજ ચેમ્બર રીપેર કરશે, ત્યારે કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનમાં દૂષિત પાણીના પ્રશ્નો ઉકેલવા રૂપિયા 3.69 કરોડ ખર્ચ તેમજ 34 સ્થળો પાછળ રૂપિયા 8.99 કરોડના ખર્ચે કામગીરી કરવાનું આયોજન ઘડાયું છે.

Next Story