Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોમી અથડામણ બાદ પોલીસની મોટી કાર્યવાહી, 22 આરોપીની ધરપકડ

ગુજરાતમાં હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી ભડકો થયો છે. રાવપુરા ટાવર પાસે ગત મોડી રાત્રે બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

X

ગુજરાતમાં હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી ભડકો થયો છે. રાવપુરા ટાવર પાસે ગત મોડી રાત્રે બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે ધસી આવતા પથ્થરમારો થયો હતો. આ મામલે રાવપુરા અને કારેલીબાગ પોલીસે કુલ 22 આરોપીઓની ધરપકડ કરી છે.

વડોદરા જેસીપી ચીરાગ કોરડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, ગઇ કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સામાન્ય અકસ્માત થતા 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક રાયોટિંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુન્હામાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. હાલ તમામ જગ્યાએ પોલીસનું પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં 3 જેટલા વ્યકિતઓને ઇજા પહોંચી હતી.

હાલ આ તમામ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે. કારેલીબાગ અને રાવપુરાના સીસીટીવી કેમેરા ચેક કરીને સાયન્ટીફિક પુરાવા પણ એકત્રીત કરવામાં આવ્યા છે. ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પોલીસે રાત્રે જ પકડી લીધા હતા. તેમજ આ ઘટનાના પ્રત્યાઘાતો ન પડે તે માટે 2 એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય અકસ્માતની આ ઘટનાએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પથ્થમારો થયો હતો. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા રાહદારીઓ પણ તેનો ભોગ બને તેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું. પથ્થમારાની ઘટનામાં અનેક વાહનોની તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ અસામાજીક તત્વો દ્વારા કોઠી પોળ ખાતેના સાંઇ બાબાના મંદિરમાં તોડફોડ કરી મૂર્તિને નુકશાન પહોંચાડવમાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટના વાયુ વેગની જેમ શહેરમાં પ્રસરતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દરમિયાન પોલીસને બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

Next Story