Connect Gujarat
વડોદરા 

વડોદરા : હસ્તકલાને જીવંત રાખવા માંજલપુરના સખીમંડળની પહેલ, શરૂ કર્યો "કૉન્સેપ્ટ ક્રાફ્ટ" પ્રોજેક્ટ...

કલા અને સંસ્કૃતિના વારસાની મહેકને ફેલાવવા શરૂ થયેલો પ્રયાસ આજે વિદેશીઓને પણ ખૂબ આકર્ષી રહ્યો છે.

X

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના સખીમંડળ દ્વારા હસ્તકલાને જીવંત રાખવા કૉન્સેપ્ટ ક્રાફ્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કલા અને સંસ્કૃતિના વારસાની મહેકને ફેલાવવા શરૂ થયેલો પ્રયાસ આજે વિદેશીઓને પણ ખૂબ આકર્ષી રહ્યો છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ગાયત્રી સુથાર, મનીષા સુથાર અને તેમના સખીમંડળ દ્વારા ભેગા થઈને ભારતીય કલાનો વારસો તેમજ હસ્તકલાની મહેકને ફેલાવવા અને હિન્દુ પૂજા વિધિમાં વપરાતી વિવિધ વસ્તુઓને કલાત્મક રીતે બનાવી તથા સજાવીને હાથથી બનાવેલ વિવિધ વસ્તુઓ વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વર્ષ 2016માં ગાયત્રી સુથાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રયાસથી સ્થાનિક સ્તરે મહિલાઓ માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. આજે જ્યારે ભારતીય મોટા પ્રમાણમાં વિદેશોમાં વસતા થયા છે, ત્યારે ભારતીય સામગ્રીઓ અને કળાત્મક વિવિધ વસ્તુઓ તેઓ સુધી સરળ રીતે ઉપલબ્ધ રહે તેવો પ્રયાસ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કળાત્મક બાજટ, પીઠી માટેનું પાત્ર, સજાવેલી પૂજાની થાળી, કળશ, નારિયેળ અને આવી અનેક વસ્તુઓ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે.

જે અમેરિકા તેમજ વિશ્વના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા આ પ્રયાસે વિશ્વભરમાં આગવી રીતે પોતાનું ધ્યાન દોર્યું છે. માત્ર અમુક મર્યાદિત ઓર્ડરથી શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ દ્વારા આજે હજારોની સંખ્યામાં વસ્તુઓ ભારત તેમજ વિશ્વના માર્કેટમાં પહોંચાડવામાં આવી રહી છે. કલા અને સંસ્કૃતિના વારસાની મહેકને ફેલાવવા વડોદરાથી શરૂ થયેલ આ પ્રયાસ આજે વિદેશીઓ અને વિદેશમાં રહેતા ભારતીયોને ખૂબ આકર્ષી રહ્યો છે.

Next Story