વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં છ વર્ષ બાદ લગ્નનો રૂડો અવસર આવ્યો છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બે દીકરીઓ શીતલ અને વંદનાએ શરણાઇના સુરો વચ્ચે પ્રભુતામાં પગલા માંડયાં હતાં.
હાલમાં લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે જયાં જુઓ ત્યાં વરઘોડાઓ અને લગ્નના આયોજનો જોવા મળી રહયું છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં શરણાઇના સુરાવલી વચ્ચે જાન આવી પહોંચી હતી.
લગ્નપ્રસંગમાં મહેમાન બન્યાં હતાં રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલ, કલેકટર એ.બી.ગોર અને મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ.... અધિકારીઓ તથા પદાધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનારી શીતલ અને વંદના પર અપાર વ્હાલની વર્ષા કરી હતી.
સામાન્ય રીતે નારી સંરક્ષણ ગૃહમાં સમાજમાંથી તરછોડાયેલી યુવતીઓ, કિશોરીઓ અને મહિલાઓને આશરો આપવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓને સારૂ પાત્ર શોધી સરકાર તેમના લગ્ન પણ કરાવી આપે છે. વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં છ વર્ષ બાદ જાન આવી હતી અને શરણાઇના સુર રેલાયાં હતાં. જીવનની નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહેલી બંને યુવતીઓના ચહેરા પર ઓજસ ઉડીને આંખે વળગતું હતું.