/connect-gujarat/media/post_banners/e857c8710d60b3e27feee4401972d0aed82ac698727e1accfc9d2fe1e597c5da.jpg)
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે રાવપુરા વિસ્તારમાં આવેલ દવાની દુકાનો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મલ્ટી વિટામિનની ગોળીઓ અને સીરપનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય વિભાગની ટીમે રાવપુરા વિસ્તારમાં આવેલ નાગરાજ મેડિકલ સ્ટોર તથા ATC મેડિકલ સ્ટોર તેમજ અન્ય મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ જણાતા ગોળીઓના તેમજ સીરપના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ તમામ નમૂનાઓ તપાસ અર્થે લેબોટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મેડિકલ સ્ટોરમાં એકાએક ચેકિંગ હાથ ધરાતા મેડિકલ સપ્લાયર્સોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. મલ્ટી વિટામિન ટેબ્લેટમાંથી ડ્રગ્સ કન્ટેન્ટ મળી આવતા પાલિકા એક્શન મોડમાં આવી હતી, જ્યાં નિયમ અનુસાર, સીરપ અને ટેબ્લેટમાં ખોરાકના જ ઘટકો હોવા જોઈએ. પરંતુ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની બાતમી મળતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમ દ્વારા કબજે કરાયેલ નમૂનાની તપાસ લેબોટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેની તપાસ થયા બાદ તેમાં રહેલા પદાર્થોનો ખુલાસો થશે. સમગ્ર મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરથી ફરિયાદ મળી હતી, જે ફરિયાદના આધારે શહેરના મેડિકલ સ્ટોરમાં મલ્ટી વિટામિનના નામે વેચાતી દવાઓમાં પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, હવે રિપોર્ટ આવ્યા બાદ પાલિકા દ્વારા મેડિકલ સ્ટોર તેમજ દવા બનાવતી કંપની સામે FSSI એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.