/connect-gujarat/media/post_banners/d19cc7d56a49e6f42079c21e4163496e17bff664b22bd0730a04009cec782934.webp)
દર વર્ષે દશેરા નવરાત્રીના નવ દિવસ પૂરા થયા બાદ આવે છે. કહેવાય છે કે, લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રજીએ મેળવેલા વિજયના માનમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેથી તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. ત્યારે દશેરાના દિવસે લોકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવાની પરંપાર ખૂબ જૂની છે. જેથી આજે પણ લોકો દ્વારા દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે, ત્યારે દશેરાના દિવસે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પણ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
દશેરાના દિવસે વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી છે. શસ્ત્રપૂજાનું અનેરું મહત્વ હોય છે. દશેરાના દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. જેથી આજના દિવસે વડોદરા પોલીસના હેડક્વાટર પર શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ પૂજા કરવામાં આવી છે. તેમની સાથે સમગ્ર પોલીસનો સ્ટાફ આ પૂજામાં જોડાયો છે. પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારના શસ્ત્રોને સજાવવામાં આવ્યા છે. જેના પર ફૂલના હાર ચડાવી તેની પૂજા કરવામાં આવી રહી છે. અહીંયા તમામ પ્રકારની બંદૂકોની પૂજા કરવામાં આવી છે. તમામ શસ્ત્રોને કંકુના ચાંદલા કરીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ દ્વારા અશ્વની પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાટર પર અશ્વને લાવવામાં આવ્યા બાદ તેને ફૂલનો હાર પહેરાવી કંકુનો ચાંદલો કરી તેની પૂજા કરવામાં આવી હતી. અશ્વની પૂજા બાદ તેમના દ્વારા તેમની ગાડીની પણ પૂજા કરવામાં આવે છે. જેમાં પોલીસ કમિશનર દ્વારા ગાડી સામે નાળિયેર ફોડીની ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે. આ અંગે વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, વિજય દશમી દશેરાના અવસરે હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં શસ્ત્રોની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે, શસ્ત્રોના અસરકારક ઉપયોગ કરીને શહેરમાં શાંતિ અને સમૃદ્વિનું વાતાવરણ બનાવવામાં આવે. વધુમાં વિજય દશમી એક એવો તહેવાર છે. જેમાં અચ્છાઈનો બુરાઈ પર વિજય થાય છે. જેથી ભગવાનને એવી પણ પ્રાર્થના કરી છે કે, અમને એટલી સદબુદ્વિ આપે કે અમારી પાસે જેટલા સાધનો અને તાકાત છે તેનો ઉપયોગ કરી શહેરવાસીઓની રક્ષા કરીએ.