સાવલી તાલુકાનો વધુ એક બ્રિજ બન્યો બિસ્માર
2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં ગાબડાં પડ્યા
ગાબડાંના કારણે અનેક વાહનચાલકોને હાલાકી
બ્રિજની કામગીરીમાં ગુણવત્તા પર સવાલો ઉઠ્યા
મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો
વડોદરા જિલ્લાના સાવલી-જરોદ રોડ પર જૂના સમલાયા ગામ નજીક 2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં મસમોટા ગાબડાં પડતાં કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
વડોદરા જિલ્લાના સાવલી-જરોદ રોડ પર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહનમાં સમલાયા જંકશન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને ફાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રીજ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. જે બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા.
અંદાજીત રૂ. 40 કરોડ ઉપરાંતના ખર્ચે રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાયું હતું. જેનું સાંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં ધામધૂમથી લોકાર્પણ કરાયું હતું. જેના 2 વર્ષ બાદ આ બહુજન ઉપયોગી રેલવે ઓવરબ્રિજની મધ્યમાં અસંખ્ય ગાબડાં અને કોન્ક્રીટમાં ઉપયોગમાં લેવાયેલા સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાઈ આવતા જનઆક્રોશ જોવા મળ્યો હતો, અને ઇજારદાર દ્વ્રારા કરાયેલ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.