વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીએ પોતાની બાનમાં લીધું છે,જેના કારણે શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી. અને પૂરનું પાણી ઉતરતા સાત નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી.
કમાટીબાગમાં સાત નીલગાયના મોત
વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના પૂરના પાણીને કારણે બેટમાં ફેરવાઈ ગયું છે.અને પૂરગ્રસ્ત શહેરમાં લોકોના જનજીવન પર ભારે અસર વર્તાય છે,વીજળી,ભોજન અને પીવાના પાણીની તકલીફો સાથે લોકોએ પૂરના પાણીમાં સમય વિતાવ્યો છે.જ્યારે વડોદરા માંથી પૂરના પાણી ઉતરવાનું શરૂ થતા ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે,પૂર પ્રકોપથી કમાટીબાગના પ્રાણી સંગ્રહાલય પણ બાકાત રહ્યું નથી,અને પ્રાણી સંગ્રહાલય માંથી પૂરનું પાણી ઓસરતા ભયાવહ દ્રશ્ય સામે આવ્યું હતું. જેમાં સાત નીલગાયના પૂરના પાણીથી મોત નીપજ્યા હતા. આ સાત નીલગાયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટેની પ્રાણી સંગ્રહાલય દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી.