વડોદરા : સાવલીમાં જૂની અદાવતમાં 2 કોમ વચ્ચે થયો પથ્થરમારો, 3 યુવાનો ઇજાગ્રસ્ત...

વડોદરા જિલ્લાના સાવલીમાં 2 કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામ સામે પથ્થરમારો થયો હતો.

New Update
વડોદરા : સાવલીમાં જૂની અદાવતમાં 2 કોમ વચ્ચે થયો પથ્થરમારો, 3 યુવાનો ઇજાગ્રસ્ત...

વડોદરા જિલ્લાના સાવલીમાં 2 કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામ સામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં 3 યુવાનોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરાના સાવલી નગરના માળીવગા વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના યુવાનો વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં ગતરોજ સાંજના સમયે વડોદરા ભાગોળ વિસ્તારના 3 યુવકો જઈ રહ્યા હતા, ત્યારે માળીવગા વિસ્તારના કેટલાક યુવકોએ લઘુમતી કોમના યુવકોને રોકીને લાકડી અને અન્ય હથિયારો વડે ઢોર માર માર્યો હતો. જે બનાવની જાણ વડોદરા ભાગોળ વિસ્તારના લોકોને થતા આ બાબતે ઠપકો આપવા અને વાતચીત કરવા માટે ગયા હતા. આ દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા બન્ને ટોળા સામ સામે આવી જઈ પથ્થરમારો કર્યો હતો. જેમાં 2 જેટલી કારના કાચ પણ તૂટી ગયા હતા. નગરમાં પથ્થરમારો થયો હોવાની જાણ સાવલી પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પથ્થરમારામાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે દવાખાનામાં ખસેડી સાવલી પોલીસે ફરિયાદ નોંધવા અંગે તજવીજ હાથ ધરી છે. જોકે, આ બનાવના પગલે વિસ્તારમાં ટપોટપ દુકાનો બંધ થઇ ગઇ હતી. હાલ પરિસ્થિતિથી સંપૂર્ણ કાબુમાં આવતા જનજીવન પૂર્વવત થઇ ગયું છે.