/connect-gujarat/media/post_banners/c9f5964d6bb30d63a46f93a9643d133ba5e5befef8aeabac8fb961bf5c41bf52.jpg)
વડોદરા શહેર ખાતેથી “દાદાની સવારી, એસટી અમારી” સૂત્રને સાર્થક કરતા નવીન અત્યાધુનિક 101 બસોને લીલી ઝંડી બતાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસટી. નિગમ રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પુરી પાડે છે. જે અંતર્ગત મંજૂર કરાયેલા બજેટ થકી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવી 101 બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. એસટી. નિગમ દૈનિક 8 હજારથી વધુ બસોથી 33 લાખ કિ.મીનું સંચાલન કરી 27 લાખથી વધુ મુસાફરોને સેવા પુરી પાડે છે, ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાં માત્ર 14 મહિનામાં 2 હજાર જેટલી નવી એસટી. બસો ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લ, સાંસદ રંજન ભટ્ટ, મેયર પિંકી સોની, ધારાસભ્ય કેયુયાર રોકડિયા, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઇ, મ્યુનિ. કમિશનર દિલિપ રાણા અને કલેકટર બીજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.