/connect-gujarat/media/post_banners/5ea88a0af91be3a8f49c3c55f73cb7befe8935700be757fad475ca3a7467d82e.jpg)
આજરોજ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે વડોદરા શહેરના મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે વિવિધ કામદાર સંગઠનો દ્વારા શહિદોના માનમાં તેમજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને ધરણાં સહિત રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ... એટલું જ નહીં, આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે, ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ હજી દેશમાં કામદારોને પોતાના હક્ક માટે સરકાર પાસે યાચનાઓ અને માંગણીઓ કરવી પડે છે. જે ખરેખર દુ:ખદ બાબત ગણી શકાય તેમ છે. તેવામાં વડોદરા શહેરના મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે શહેરના વિવિધ કર્મચારી મંડળો જેમાં સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન, વેસ્ટર્ન રેલવે કોન્ટ્રાક્ટર્સ એમ્પલોઇઝ યુનિયન, હિન્દ મજદૂર સભા, આઇટુક અને ઇન્ટુક સહિતના વિવિધ કામદાર સંગઠનો દ્વારા કર્મચારીઓના હિત માટે તથા મે મહિનામાં શહિદોના માનમાં તેઓને શ્રધ્ધાંજલિ આપવાનો તેમજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને જેવાં કે, સરકાર દ્વારા લઘુતમ વેતન રૂ. 21,000/- કરવામાં આવે, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કર્મચારીઓનું શોષણ અટકાવવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવામાં આવે, સાથે જ નવી પેન્સન પ્રથાને રદ્દ કરી જૂની પેન્સન યોજનાને લાગું કરવામાં આવે, સામાજિક સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ કામદાર સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.