વલસાડ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કેટલાક તબીબો પાસે સક્ષમ ડીગ્રી નહિ હોવા છતાં દવાખાનું ચલાવતાં સાત તબીબોને આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુકત રેઇડમાં ઝડપી પડાયાં છે.
વલસાડ જિલ્લામાં વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ સ્થળોએ દવાખાનાઓમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વલસાડ શહેર, ભીલાડ, વાપી, નાનાપૌઢા સહિતના ગામોમાં કેટલાક તબીબોના દવાખાનાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સાત જેટલાં તબીબો યુનાની દવાના સર્ટીફિકેટ પર એલોપેથી દવા આપતાં હોવાનું બહાર આવ્યું હતું.
આ તબીબો પાસે ઇન્ડીયન મેડીકલ એસોસીએશનની પરવાનગી સહિતના જરૂરી દસ્તાવેજો મળી આવ્યાં ન હતાં. પોલીસે દવાખાનાઓમાંથી ઇન્જેકશનો અને દવાઓ સહિતની સામગ્રી કબજે કરી છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા ઝોલાછાપ તબીબો દર્દીઓના સ્વાસ્થય સાથે ખીલવાડ કરી રહયાં છે. હાલ તો પોલીસે આ તમામ તબીબો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.