રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત આસપાસના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરગામ તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા.
વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો પૈકી સંજાણ અને ભિલાડના પ્રભાવિત વિસ્તારો અને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. પ્રભાવિત વિસ્તારોના અસરગ્રસ્તોને પડતી મુશ્કેલીઓની જાતમાહિતી મેળવી હતી. ઉપરાંત સ્થાનિક સેવાભાવી સંસ્થા જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાના સહયોગથી ઘરવખરી સહાય સામગ્રી તથા રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.