/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/09142232/maxresdefault-88.jpg)
નૈરૂત્યના ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે ત્યારે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં તારીખ 11મીથી મેઘમહેર થાય એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રીની દસ્તક આપી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી. બુધવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું. વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીની સીઝન ચાલી રહી છે, આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે બે દિવસથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે.