વલસાડ : રૂ. 145.14 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

New Update
વલસાડ : રૂ. 145.14 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ. 145.14 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો સાથે જ કોંગ્રેસને પણ આડેહાથ લેતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારે છે.

વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ ધગડમાળ ગામે પાણી પુરવઠા વિભાગની 5 જૂથ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી જિલ્લાના 3 તાલુકાના 114 ગામોની 3.82 લાખની વસ્તીને લાભ મળશે. કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરતા જણાવ્યુ હતું કે, ગુજરાત મોડેલ આખા દેશમાં પ્રસિદ્ધ છે. જેથી હવે દેશમાં ટેન્કર રાજ ખતમ કરવાની શરૂઆત થઈ રહી છે, અને ટેન્કર મુક્ત ગુજરાત બનાવવા તરફ જઈ રહ્યાં છીએ.

સાથે સાથે કોરોના કાળમાં પણ સરકાર દ્વારા કોરોના નિયંત્રિત કરવા સંપૂર્ણ તાકાત લગાવવામાં આવી છે. જેને લઈને ગુજરાતનો વિકાસ ભારતનું રોલ મોડેલ બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર રાજકીય રોટલો શેકે છે. કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારે છે. કોંગ્રેસ દ્વારા જ મુક્ત વેપાર કરવા તેમને ચૂંટણી ઢંઢેરામાં વાત કરી હતી અને રાજકીય તક મેળવવા ખેડૂતોના આંદોલનને સમર્થન કરવામાં આવી રહ્યું છે.