/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/23131549/maxresdefault-294.jpg)
વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસી માં આવેલ સર્વાઈવલ ટેક્નોલોજીસ કંપનીમાં કેમિકલ વેસ્ટના ડ્રમ કંપનીમાં જ જમીનમાં દાટી દીધા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને સરીગામ જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાતા કંપનીની જમીન માંથી કેમિકલ વેસ્ટના ડ્રમ મળી આવ્યા હતા.
વલસાડ જિલ્લાની સરીગામ જીઆઇડીસીની સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની કંપનીમાં જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. સરીગામના એક જાગૃત નાગરિકની અને ગ્રામ પંચાયતના સભ્યની રજુઆતને આધારે સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની કંપનીના પરિસરમાં તપાસ હાથ ધરતા કંપનીના પરિસરમાં જમીનમાં દાટેલા ઝેરી કેમિકલ કચરો ભરેલા મોટાં 3 ડ્રમ મળી આવ્યા હતા. 200 લિટરના ક્ષમતાવાળા 3 ડ્રમ ભરી અને કંપની દ્વારા ઝેરી કેમિકલ કચરાને જમીનમાં જ દાટી દેવામાં આવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની આ કંપની ફાર્મા કંપની છે. અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના ઉત્પાદન દરમિયાન કંપની માંથી નીકળતા ઝેરી કેમિકલ કચરાને નિયમ મુજબ અને ધારાધોરણ મુજબ સરકારની ગાઈડલાઈન અનુસાર તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે. જોકે આ પ્રક્રિયા દરમ્યાન ખર્ચો વધારે થતો હોવાથી કંપની દ્વારા ચોરીછૂપીથી ગેરકાયદેસર રીતે આ ઝેરી કેમિકલ ને જમીનમાં દાટી દીધો હોય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આથી જીપીસીબી એ કંપની પરિસરમાં જમીનમાં દાટેલા ત્રણ જેટલી કેમિકલ ભરેલા ડ્રમને બહાર કાઢી કંપની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.