વલસાડ : ઓક્સિજન વિના હવે નહીં ત્યજવા પડે પ્રાણ, UPL કંપનીએ હરિયા હોસ્પિટલ ખાતે સ્થાપિત કર્યો ઓક્સિજન પ્લાન્ટ

વલસાડ : ઓક્સિજન વિના હવે નહીં ત્યજવા પડે પ્રાણ, UPL કંપનીએ હરિયા હોસ્પિટલ ખાતે સ્થાપિત કર્યો ઓક્સિજન પ્લાન્ટ
New Update

કોરોનાના વધતાં જતાં સંક્રમણના પગલે વલસાડ જિલ્લામાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેના કારણે વાપીની હરિયા હોસ્પિટલ ખાતે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની દ્વારા હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ થકી અનેક દર્દીઓને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવશે.

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ અને રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે સરકારની સાથે હવે કોર્પોરેટ કંપનીઓ પણ આગળ આવી અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે. હાલની કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના વાપીની સૌથી મોટી એવી પાક સંરક્ષણ દવાઓ બનાવતી કંપની યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ એટલે કે, યુ .પી.એલ કંપની પણ વહીવટી તંત્રને મદદ કરવા આગળ આવી છે. રાજ્ય અને અન્ય વિસ્તારોની હોસ્પિટલોમાં સારવાર દરમિયાન ઓક્સિજનની ઊભી થઈ રહેલી ઉણપને પહોંચી વળવા માટે વાપીની યુપીએલ કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી હોસ્પિટલો અને મધ્યપ્રદેશની 1 હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપી દર્દીઓને મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે.

યુપીએલ કંપની દ્વારા વાપીની સૌથી મોટી હરિયા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીત કરવામાં આવ્યો છે. જેથી અહી ઓક્સિજન ઉત્પાદન કરવા અને જરૂરી ફેરફાર કરવા માટે તજજ્ઞોની ટીમો પણ કામે લગાવી છે. ત્યારબાદ આવનાર દિવસોમાં જ કંપની દ્વારા અંકલેશ્વર અને સુરત સહિત મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં પણ નાઇટ્રોજન ઉત્પાદન કરતાં પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સિજનનું ઉત્પાદન કરવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે યુપીએલના સાહસ બાદ હવે હોસ્પિટલો આઇ.સી.યુ.માં જરૂરી ઓક્સિજન ડિમાન્ડને પોતે જ પૂરી કરી શકશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે, યુપીએલ કંપનીના સીઈઓ જય શ્રોફ, રજજુ શ્રોફ, સાન્ડરા શ્રોફ અને વિક્રમ શ્રોફની સાથે કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ એવા વલસાડના પારડીના ભાજપના ધારાસભ્ય કનુ દેસાઇ પણ અત્યારે દેશમાં આવી પડેલી આ મહા આફતમાં લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યા છે. યુપીએલ કંપની પોતાના માનવીય અભિગમને હંમેશા સાર્થક કરતી આવી છે, ત્યારે ફરી એક વખત કોરોના મહામારીની બીજી લહેરમાં પોતાની સામાજિક જવાબદારી સમજી માનવજાતની સેવા કરવા આગળ આવી છે.

#Valsad #Valsad News #Connect Gujarat News #UPL #Oxygen #Oxygen Plant #United Phosphorous Limited
Here are a few more articles:
Read the Next Article