ભારત સરકાર દ્વારા જન આંદોલન સ્વરૂપે દર વર્ષે તા. ૧૬થી ૩૧ માર્ચ સુધી પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ થીમ ઉપર અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના તમામ ઘટકોમાં આંગણવાડી કક્ષાએ યોગ સેશન રાખવામાં આવ્યા હતા.
પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડી કાર્યકરો દ્વારા કિશોરીઓને યોગ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોષણના પાંચ સૂત્રો સરકાર દ્વારા નક્કી કરી બાળકના પ્રથમ એક હજાર દિવસો, એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સ્વચ્છતા, પૌષ્ટિક આહાર વગેરેનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. આંગણવાડી અને ઘટક કક્ષાએ પૌષ્ટિક વાનગીઓ બનાવી નિદર્શન કરવાની સાથે તમામ આંગણવાડી કાર્યકરો, સુપરવાઇઝર દ્વારા ડોર ટુ ડોર તમામ લાભાર્થીઓની હોમ વિઝિટ કરી પોષણ અંગે સમજ આપવામાં આવી હતી.
વૃક્ષારોપણ અને રેલીઓ યોજી તેમજ કિશોરીઓ દ્વારા પોષણ તોરણ, પોષણ સલાડ બનાવી જનજાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા. સગર્ભા-ધાત્રી માતાઓને સ્તનપાનનું મહત્ત્વ સમજાવી માતાઓને બાળક ૬ માસ પૂર્ણ કરે ત્યારે જરૂરી ઉપરી આહારની સમજ આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ રંગોળી બનાવી પોષણના સંદેશા આપવામાં આવ્યા હતા.