હાલ ઉનાળાના સમયે આકરી ગરમી પડતી હોય, ત્યારે વધતા જતા તાપમાનમાં કોઈ જ્વલનશીલ વાહન હોય, ત્યારે એવા કોઈ પદાર્થ કે સાધનનો ઉપયોગ ન કરવો જોઈએ કે, જેના કારણે આગ લાગવાની ઘટનાઓ બને, ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી સામે આવી છે. ટીંટોઇ ગામ નજીક ટ્રકની ડિઝલ ટેન્કમાં ભયંકર બ્લાસ્ટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ આગની ઝપેટમાં અન્ય એક ટ્રક પણ આવી જતાં બન્ને ટ્રક ભડકે બળ્યા હતા. જોકે, વેલ્ડિંગ કામ દરમિયાન ડિઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. બ્લાસ્ટનો અવાજ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. સદનસીબે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.