ગુજરાતમાં અવારનવાર હાઈકોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. દિવાળી પૂર્વે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટને ઇ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી છે. જેના કારણે હાઈકોર્ટ પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસ કાફલો તાત્કાલિક હાઇકોર્ટ પહોંચી ગયો હતો અને સમગ્ર કેમ્પસમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ ઇ-મેઇલમાં આગામી સમયમાં મોટા વિસ્ફોટો કરવાની પણ ધમકી આપવામાં આવી છે. ઇ-મેઇલ મુજબ 8 અને 27 નવેમ્બર સુધી બોમ્બ ધડાકા થશે તથા 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર દિલજિત દોસાંજની કોન્સર્ટ દરમિયાન આઇડી બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી કાર્યાલય ખાતે બપોરે 3.11 વાગ્યે બ્લાસ્ટ થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે અત્યંત સતર્ક બનીને વધુ તપાસ ચલાવી રહી છે.
