/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/0da89cdc-d8a7-4b6b-9704-87c0ec3b2e94-large16x9_EarthquakeLogo.jpg)
જાપાનના ક્યુશુ પ્રદેશમાં સોમવારે (૧૩ જાન્યુઆરી, ૨૦૨૫) ૬.૯ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. દેશની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભૂકંપ બાદ ઘણા વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી, જો કે સદનસીબે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ ૩૭ કિલોમીટર હતી. જાપાનની ભૂકંપ મોનિટરિંગ એજન્સી NERVએ જણાવ્યું કે ભૂકંપ હ્યુગા-નાડા સમુદ્રમાં થયો છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે ૯:૨૯ વાગ્યે મિયાઝાકી પ્રીફેક્ચરમાં આવ્યો હતો. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તેની તીવ્રતા ૦ થી ૭ ના જાપાની સ્કેલ મુજબ ૫ થી ઓછી હતી. મિયાઝાકી અને કોચી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
વિશ્વભરમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ, ગયા વર્ષે ૮ ઓગસ્ટના રોજ જાપાનમાં ૬.૯ અને ૭.૧ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેણે દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ ક્યુશુ અને શિકોકુને હચમચાવી દીધા હતા. તાજેતરમાં તિબેટમાં આવેલા ભૂકંપોએ પણ ભારે તબાહી મચાવી હતી. ૭ જાન્યુઆરીએ આવેલા ૭.૧ની તીવ્રતાના ભૂકંપમાં ૧૨૬ લોકોના મોત થયા હતા અને ઘણા ઘરો ધરાશાયી થયા હતા. આ ભૂકંપની અસર ભારતમાં પણ અનુભવાઈ હતી.