અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આંખો પર વિશ્વાસ ન આવે તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અફઘાનિસ્તાનમાંથી પલાયન થવા માટે હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થતાં વિમાનમાં બેસવા ધકકામુકકી થઇ હતી. અમેરીકન વાયુદળના વિમાન પર ટીંગાયેલા ત્રણ લોકો હજારો ફુટની ઉંચાઇએથી નીચે પડયાં હતાં.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઊડતા વિમાનમાંથી 3 લોકો નીચે નીચે પટકાયા હતા. આ ત્રણેય લોકોનાં મોત થયાં હતાં. અમેરિક એરફોર્સના વિમાનના ટાયર પર લટકીને આ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અફઘાનિસ્તાનની રાજઘાની કાબુલમાં સ્થિતિ બેકાબુ બની ગઇ છે. અમેરિકા સહિતના દેશો તેમના નાગરિકોને સલામત રીતે અફઘાનિસ્તાનની બહાર કાઢવા એડીચોટીનું જોર લગાવી રહયાં છે. વિદેશી નાગરિકોને એરલીફટ કરવા મોકલાયેલા વિમાનો પર અફઘાનીઓ તુટી પડયાં છે.
બસ અને ટ્રેનમાં બેસવા માટે જે રીતે ધકકામુકકી થાય છે તેવી ધકકામુકકી પ્રથમ વખત વિમાનોમાં જોવા મળી છે. . જે રન-વે પર સામાન્ય માણસનું જવું પણ મુશ્કેલ છે ત્યાં લોકો પ્લેન પર જબરદસ્તી સવાર થઈ રહ્યા છે. અફઘાની લોકો અમેરિકી વિમાન સાથે દોડી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં એરપોર્ટ અમેરિકન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ઘણા ઘાયલ થયા છે. વીડિયોમાં એરપોર્ટ પર ત્રણ મૃતદેહ જોવા મળી રહ્યા છે.
મૃત્યુઆંક આનાથી વધારે હોઇ શકે છે. આ દરમિયાન કાબુલમાં ઘણા વિસ્તારોમાં લૂંટના સમાચાર છે. સરકારી નંબર પ્લેટવાળા વાહનોની લૂંટ થઈ રહી છે. કેટલાક લોકોએ તેમના અંગત વાહનોની ચોરી થઈ હોવાનો દાવો પણ કર્યો છે. એરપોર્ટ નજીક રહેણાક વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. સરકારી એજન્સીઓની કચેરીઓમાં લૂંટફાટ થઈ છે. તાલિબાનનું કહેવું છે કે અસામાજિક તત્ત્વોએ તાલિબાનના નામે લૂંટફાટ કરી છે અને સંવેદનશીલ દસ્તાવેજ સળગાવી દીધા છે.