/connect-gujarat/media/media_files/2025/03/14/vIWqUTYW2D0s8285Lrv2.jpg)
અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સના વિમાનને અકસ્માત નડ્યો છે. વિમાનમાં આગ લાગી હતી. તેમાં 172 મુસાફરો હતા. વિમાનમાં આગ લાગતા એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.
અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સના વિમાનને અકસ્માત નડ્યો છે. વિમાનમાં આગ લાગી હતી. તેમાં 172 મુસાફરો હતા. પ્લેનમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. જ્યારે પ્લેનમાં આગ લાગી ત્યારે તે એરપોર્ટના ગેટ નંબર C38 પર હતું.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પ્લેનની આસપાસ ધુમાડો ઉડતો જોવા મળી રહ્યો છે. આ દર્શાવે છે કે આગ ભયંકર હતી. જોકે થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જે પ્લેનમાં આગ લાગી તે બોઇંગ 737-800 મોડલનું હતું.
અમેરિકન એરલાઈન્સનું આ પ્લેન કોલોરાડો સ્પ્રિંગ્સ એરપોર્ટ પરથી ઊડ્યું હતું અને ડલ્લાસ ફોર્ટ વર્થ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે તેને ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે સુરક્ષિત લેન્ડિંગ પછી ફ્લાઈટ ગેટ 1006 પર પહોંચી, પરંતુ તે પછી તેના એન્જિનમાં સમસ્યા આવી ગઈ. આ વિમાનમાં કુલ 172 યાત્રીઓ અને છ ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલ પર મોકલવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં અનેક વિમાન અકસ્માતો થયા છે. કેલિફોર્નિયામાં એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ પછી વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે યુએસ આર્મીના હેલિકોપ્ટર બ્લેક હોક (H-60) સાથે અથડાયું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 67 લોકોના મોત થયા હતા. ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં એક નાનું મેડિકલ પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ પ્લેનમાં 6 લોકો સવાર હતા. ટેકઓફની થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થયું હતું.