Connect Gujarat
દુનિયા

પહેલા હર્ષ પછી આયુષ અને હવે વિશય : વધુ એક ગુજરાતી સ્ટુડન્ટનું કેનેડામાં મોત, છેલ્લા 4 દિવસથી હતો ગુમ..!

કેનેડામાં પોલીસને રવિવારે અસિનીબોઈન નદી પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મૃતદેહ વિશય પટેલનો છે.

પહેલા હર્ષ પછી આયુષ અને હવે વિશય : વધુ એક ગુજરાતી સ્ટુડન્ટનું કેનેડામાં મોત, છેલ્લા 4 દિવસથી હતો ગુમ..!
X

કેનેડામાં પોલીસને રવિવારે અસિનીબોઈન નદી પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મૃતદેહ વિશયપટેલનો છે. જે ભારતીય વિદ્યાર્થી ગયા અઠવાડિયે મેનિટોબા સિટીમાંથી ગુમ થયો હતો.

અહેવાલો અનુસાર, કામદારોને રવિવારે સાંજે મેનિટોબા પ્રાંતમાં બ્રાન્ડોન સિટીની પૂર્વમાં અસિનીબોઇન નદી અને હાઇવે 110 પુલ નજીક એક મૃતદેહ મળ્યો હતો. તપાસકર્તાઓ માને છે કે આ મૃતદેહ એસિનીબોઈન કોમ્યુનિટી કોલેજના વિદ્યાર્થી વિશય પટેલનો છે. તે ગુજરાત, ભારતનો છે. શુક્રવાર સવારથી તે ગુમ થયો હતો. વિશય પટેલના સંબંધીઓએ શનિવારે સવારે બ્રાન્ડોન પોલીસને તેના ગુમ થવા અંગે જાણ કરી હતી.

વિશય પટેલના પરિવારજનોએ પણ વિસ્તારમાં તેની શોધખોળ કરી હતી. ત્યારબાદ રવિવારે સાંજે અસિનીબોઈન નદી પાસે તેના કપડાં મળી આવ્યા હતા. ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ત્યારબાદ વિસ્તારમાં શોધખોળ કરી અને એક મૃતદેહ મળી આવ્યો હતો.

ભારતીય વિદ્યાર્થી વિષય પટેલ ગ્રે હોન્ડા સિવિક કારમાં તેના ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે તેણે વિશય પટેલને રિવરબેંક ડિસ્કવરી સેન્ટર મેદાન તરફ ચાલતા જોયો હતો. આ કિસ્સામાં, મુખ્ય તબીબી પરીક્ષક કાર્યાલયે કહ્યું છે કે અધિકારીઓ તપાસ ચાલુ રાખશે. વિશય પટેલના મિત્રએ જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી અસિનીબોઈન કોમ્યુનિટી કોલેજમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી રહ્યો હતો.

ગત મે મહિનામાં પણ કેનેડામાં ગુજરાતી યુવકનું ગુમ થયા બાદ મોત થયું હતું. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો. ગત 5મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

જ્યારે આ પહેલા એપ્રિલ મહિનામાં અમદાવાદનો હર્ષ પટેલ જે ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો, તે પણ અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાદ તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આમ એપ્રિલ, મે અને પછી જૂન, 3 મહિનામાં ગુજરાતી સ્ટુડન્ટના ગુમ થયા બાદ મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના બની છે. ત્યારે ઘટનાને લઈને હવે કેનેડામાં રહેતા ગુજરાતીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

Next Story