દેશના નવનિયુક્ત સીડીએસ જનરલ અનિલ ચૌહાણે આજે કાર્યભાર સંભાળી લીધો છે. આ પહેલા તેઓ દિલ્હી સ્થિત વૉર મેમોરિયલ અને અમર જવાન જ્યોતિ પર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓ દેશના પ્રથમ થ્રી-સ્ટાર સૈન્ય અધિકારી (લે. જનરલ) છે, જેમને ફોર સ્ટાર એટલે કે જનરલ બનાવીને આટલા મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તેમના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણની સાથે વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને બે દિવસ પહેલા જ નવા સીડીએસ બનાવવામાં આવ્યા છે.
જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયાના લગભગ નવ મહિના બાદ તેમને નવા સીડીએસ નિયુક્ત કરવામાં આવ્યા. ચાર્જ સંભાળ્યા પછી CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "હું ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળીને ગર્વ અનુભવું છું. હું ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે હું ત્રણેય સેનાઓની અપેક્ષાઓને પૂરી કરવાનો પ્રયાસ કરીશ. અમે તમામ પડકારો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.'' નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે અનિલ ચૌહાણ ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે.61 વર્ષીય અનિલ ચૌહાણ લશ્કરી બાબતોના વિભાગમાં સચિવ તરીકે પણ કાર્ય કરશે. કેન્દ્ર સરકારે બુધવારે તેમને નવા CDS તરીકે નોમિનેટ કર્યા હતા. તેઓ 11મી ગુરખા રાઈફલ્સમાંથી છે. પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ રેજિમેન્ટના હતા.