આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ દૂર તમારા જેલમાં બની
હોન્ડુરાસની એક મહિલા જેલમાં ચોંકાવનારી ઘટના બની. જેલમાં 41 મહિલા કેદીઓ મૃત્યુ પામી. ખરેખર તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચે અહીં હિંસા ફાટી નીકળતાં ગોળીબાર-આગચંપી જેવી ઘટનાઓને લીધે અહીં મહિલા કેદીઓ મૃત્યુ પામી હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
હોન્ડુરાસની નેશનલ પોલીસ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ સમગ્ર ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેઓએ કહ્યું છે કે મોટાભાગના પીડિતો દાઝી ગયા હતા. યુરી મોરાએ જણાવ્યું કે કેટલાકને ગોળી પણ વાગી હતી. હોન્ડુરાસની રાષ્ટ્રીય પોલીસ તપાસ એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી 26 લોકોને સળગાવીને મોતને ઘાટ ઉતારાયા જ્યારે અન્યોને ગોળી મારી દેવાઈ હતી. તેમણે કહ્યું કે આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ (50 કિલોમીટર) દૂર તમારા જેલમાં બની હતી. ગંભીર રીતે ઘાયલ મહિલા કેદીઓને તેગુસીગાલ્પા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દેશની જેલ સિસ્ટમના વડા જુલિસા વિલાનુએવાએ સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે રમખાણોમાં સામેલ સંગઠિત ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે જેલોની અંદર ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે થોડા દિવસો પહેલા કડક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ જ કારણે આ હિંસા ભડકી હતી.