/connect-gujarat/media/media_files/2025/11/25/canada-khalistani-violence-2025-11-25-18-08-53.jpg)
કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની તત્વોએ ફરી એક વાર ભારત વિરોધી હિંસક માહોલ ઉભો કર્યો, હાડ માંડ હવામાન હોવા છતાં હજારો લોકો ખાલિસ્તાની રેફરન્ડમના નામે એક અનૌપચારિક, ગેરકાયદેસર અને અલગતાવાદી મતદાન માટે બે કિલોમીટર લાંબી કતારમાં ઉભા રહ્યા. પીળા ખાલિસ્તાની ધ્વજ સાથે નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આ સમગ્ર આયોજન બિનકાનૂની પ્રવૃત્તિઓ માટે જાણીતી સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા કરવામાં આવ્યું હતું. સંગઠનના પ્રમુખ ગુરપતવંત પન્નુએ સેટેલાઇટ મારફતે હાજરી આપી અને ભારત વિરોધી ભાષણો કરીને ભીડને પ્રેરિત કરી. મતદાનમાં પૂછાયેલ એકમાત્ર પ્રશ્ન એ હતો કે “પંજાબને ભારતથી અલગ કરીને ખાલિસ્તાન બનાવવો જોઈએ કે નહીં,” જેને કેન્દ્ર સરકારએ ભારતની સાર્વભૌમત્વ સામે સીધી ચોટ ગણાવી છે.
રેલીની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભારતે તેને ગંભીર સુરક્ષા ચિંતાનો વિષય ગણાવ્યો છે અને જણાવ્યુ છે કે કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતને અસ્થિર કરવાની કોશિશ માટે થઈ રહ્યો છે. આશ્ચર્યજનક રીતે આ જ દિવસે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ G-20 સમિટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ. SFJએ આ મુલાકાત પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જ્યારે કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તે દિવસે કેનેડાના પીએમ ભારતના પીએમને કેમ મળ્યા—જોકે કેનેડા સરકારે આ મુદ્દે કોઈ જાહેર ટિપ્પણી કરી નથી.
આ તંગ પરિસ્થિતિની વચ્ચે ભારત અને કેનેડાએ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતી ટ્રેડ ડીલ માટે અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. બે વર્ષના રાજનૈતિક તણાવ બાદ જોહાનિસબર્ગમાં યોજાયેલી G-20 બેઠક દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે આ સંમતિ બની. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે અને ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ, મિનરલ પ્રોસેસિંગ ટેક્નોલોજી તથા ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રમાં સહકાર વધારાશે.
કેનેડા પહેલાથી જ યુરેનિયમ સપ્લાયમાં ભારતનો સહયોગી છે. બીજી તરફ, કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે નવો વેપાર કરાર બંને દેશોના વેપારને 70 બિલિયન કેનેડિયન ડોલરથી વધુ સુધી લઈ જઈ શકે છે.
આ સંપૂર્ણ ઘટનાક્રમ ભારત-કેનેડા સંબંધોમાં ચાલતી દ્વિધ્રુવી પરિસ્થિતિને દર્શાવે છે એક બાજુ કેનેડાની અંદર ખાલિસ્તાની તત્વોની હિંસક અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સામે ભારતની ચિંતા વધતી જાય છે, તો બીજી બાજુ આર્થિક અને વ્યૂહાત્મક હિતને ધ્યાનમાં રાખીને બંને દેશો મહત્વપૂર્ણ વેપાર સહકાર મજબૂત કરવા આગળ વધી રહ્યા છે.