/connect-gujarat/media/post_banners/37c7fcf13b2a4c526024eeb259bd3328d21717e9b6b180ee7ece6d52b353a13f.webp)
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.ઇસ્ફહાન એ જ પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલા 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું.જોકે, ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99% હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઇરાન સામે બદલો લેવાની યોજના બનાવવા માટે યુદ્ધ કેબિનેટ સાથે 5 બેઠકો યોજી હતી.