/connect-gujarat/media/media_files/2025/07/02/japan-airlines-2025-07-02-16-59-23.jpg)
ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે પડવા લાગી હતી. માત્ર 10 મિનિટમાં જ ફ્લાઇટ 26,000 ફૂટ નીચે પડી હતી. જેના કારણે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ 737 મોટી દુર્ઘટનાથી માંડ માંડ બચી છે. આ પ્લેનમાં 191 મુસાફરો હતા. સોમવારે પ્લેનનું કાન્સાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ
ઘટના દરમિયાન, વિમાન 36,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. જોકે, અચાનક વિમાને સંતુલન ગુમાવતાં માત્ર 10 મિનિટમાં 26,000 ફૂટ નીચે ઉતર્યું હતું. જમીનથી 10,500 ફૂટની ઊંચાઈએ પહોંચતાની સાથે જ પાયલટ તેના પર કાબૂ મેળવવામાં સફળ રહ્યો અને તુરંત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ઘટના દરમિયાન, ક્રૂ સભ્યોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવા કહ્યું હતું. સવાર તમામ મુસાફરોને લાગ્યું કે, હવે પ્લેન ક્રેશ થઈ જશે. જેથી ગભરાટમાં પોતાના ઓક્સિજન માસ્ક ફેંકી દીધા હતાં. જો કે, પાયલટ કુનેહપૂર્વક વિમાનને કોઈક રીતે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં સફળ રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર ભયાનક અનુભવ શેર કરતા એક વ્યક્તિએ કહ્યું કે, મારું શરીર ચોક્કસપણે અહીં છે, પરંતુ મને હજુ પણ વિશ્વાસ નથી બેસતો કે હું જીવિત છું. મારા પગ ધ્રૂજી રહ્યા છે. જ્યારે તમે જીવન અને મૃત્યુને આટલી નજીકથી જુઓ છો, ત્યારે તમને સામે માત્ર અંધકાર જ દેખાય છે.
આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વિમાનને ઓસાકામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. મુસાફરો માટે એક રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને ટોક્યો જવા માટે 15,000 યેન (104 ડોલર) નું વળતર આપવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ આ અકસ્માતની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બોઇંગની ફ્લાઇટ 737 બે વખત ક્રેશ થઈ છે. ગયા વર્ષે દક્ષિણ કોરિયાના મુઆનમાં લેન્ડિંગ કરતી વખતે 179 મુસાફરોથી ભરેલું વિમાન ક્રેશ થયું હતું. 2022 માં, ચીનમાં 132 મુસાફરોને લઈ જતું બોઇંગ 737 વિમાન ક્રેશ થયું હતું.
accident | flight | plane