ઓસ્ટ્રેલિયામાં હવે સગીરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે. પીએમ એન્થોની અલ્બેનીઝની સરકાર ટૂંક સમયમાં એક કાયદો લાવવા જઈ રહી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. જો ઓસ્ટ્રેલિયા આ કાયદો પસાર કરશે તો તે આવું કરનાર પ્રથમ દેશ બની જશે. ચાલો જાણીએ કે આ કાયદો કેમ આવી રહ્યો છે, તેનો અમલ કેવી રીતે થશે અને શા માટે તેનો વિરોધ કરાઈ રહ્યો છે.
સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના લીધે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. બાળકો વાસ્તવિક જીવનમાં પાછા ફરે અને રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લે.પ્રસ્તાવિત કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ખાતરી કરવી પડશે કે 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો તેમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. આ દિશામાં સરકાર 65 લાખ કિશોરોની વય ચકાસણી ટ્રાયલ પણ કરશે.