ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે જરૂરી મુદ્દાઓ પર લગભગ સમજૂતી થઈ ગઈ છે. FTAથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. પ્રથમ વખત દર વર્ષે લગભગ 20 હજાર ભારતીયોને અસ્થાયી વિઝા મળશે. આ વિઝા ભારતીય સ્કિલિડ પ્રોફેશનલ્સને મળશે.
આ સાથે ભારતીય પ્રોફેશનલો બ્રિટનમાં 2 મહિનાથી એક વર્ષ સુધી કામ કરી શકશે.ભારત લાંબા સમયથી બ્રિટન પાસે FTA માટે વિઝા કાયદામાં રાહત આપવાની માંગ કરી રહ્યું હતું. સુનક સરકાર સાથે ભારતની વાત બની નહીં કારણ કે તેના પર સર્વસંમતિ સધાઈ નહોતી. ખરેખરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે ભારતીય પ્રોફેશનલ્સને વિઝા મુક્તિ આપવાનો વિરોધ થયો હતો.હવે કીર સ્ટાર્મરની લેબર સરકારે વિઝા અંગે ભારતની માંગણી સ્વીકારી છે. નવી બ્રિટિશ સરકારના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ હાલમાં ભારતીય પક્ષ સાથે 14મા રાઉન્ડની વાટાઘાટો યોજી હતી. બ્રિટન-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના એમડી કેવિન મેકકોલના જણાવ્યા અનુસાર આ વર્ષે FTAને મંજૂરી આપવામાં આવશે. દિવાળી સુધીમાં FTA લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.