અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓની ઉમેદવારી માટે ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન, બુધવારે સવારે (ભારતીય સમય મુજબ), રિપબ્લિકન પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયર રાજ્યની ચૂંટણી જીતી લીધી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેમને 55.4% વોટ મળ્યા, જ્યારે ભારતીય મૂળની નિક્કી હેલીને 42% વોટ મળ્યા. બીજી તરફ ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન જીત્યા છે. તેમને 66.8% મત મળ્યા. બીજા ક્રમે આવેલા ડીન ફિલિપ્સને માત્ર 20% વોટ મળ્યા.
રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રથમ કોકસ આયોવા રાજ્યમાં યોજાઈ હતી. અહીં ટ્રમ્પ એકતરફી જીત્યા. ન્યુ હેમ્પશાયરમાં પ્રાથમિક ચૂંટણી છે. આ પ્રાથમિક અને કોકસ વચ્ચેનો તફાવત સમજવો મહત્ત્વપૂર્ણ છે. જોકે, બંનેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરવાનો છે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા બંને પક્ષ એટલે કે રિપબ્લિકન અને ડેમોક્રેટિક આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.