કેનેડાથી અમેરિકામાં ઘુષણખોરી દરમિયાન બરફમાં થીજી જવાથી મોતને ભેટલે ડીંગુચાનો પટેલ પરિવાર તો તમને યાદ હશે જ... તારીખ 19મી જાન્યુઆરીના રોજ અમેરિકા -કેનેડાની સરહદ પરથી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યાં હતાં. તમામ કાયદાકીય કાર્યવાહી પુર્ણ થતાં કેનેડીયન શહેર મેનીટોબામાં માન- સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લાના ડીંગુચા તથા આસપાસના ગામોના 11 લોકોનું ગૃપ કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી કરી રહયું હતું જેમાં ડીંગુચાના જગદીશ પટેલ તેમના પત્ની વૈશાલી, પુત્ર ધાર્મિક અને પુત્રી વિહંગી ગૃપમાંથી છુટા પડી ગયાં હતાં અને અમેરિકાની સરહદથી થોડે જ દુર બરફના તોફાનમાં ફસાઇ જતાં થીજીને મૃત્યુ પામ્યાં હતાં. ચાર લોકોના મોતની ઘટનાના વિશ્વભરમાં પડઘા પડયાં હતાં અને માનવ તસ્કરીનું ભુત ફરી ધુણ્યું હતું.
ઉજ્વળ ભવિષ્યની શોધમાં નીકળેલ ડિંગુચાના પરિવારને સ્વપનેય ખ્યાલ ન હતો કે આ રીતે અકાળે તેમના વિદેશી ધરતી પર મૃત્યુ નીપજશે, ગત રોજ કનેડીયન એજન્સી પરથી તેઓના અગ્નિ સંસ્કારના ફોટો સામે આવ્યા હતા જેને જોતાં જ લોકોના હ્રદય કંપી ઉઠ્યા હતા. તેઓને વિદેશની ધરતી પર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા ત્યારે જગદીશ પટેલને સુટ તેમની પત્નીને પાનેતર, દીકરી વિહંગીને ગુલાબી રંગનું ફ્રોક અને દીકરા ધાર્મિકને પણ સુટ પહેરાવવામાં આવ્યો હતો. કેનેડાની આ સભ્યતાએ લોકોને ગદગદિત કરી નાંખ્યાં છે. જગદીશ પટેલ ભલે ગેરકાયદે રીતે ઘુસણખોરી કરી રહયાં હતાં પણ કેનેડાએ માનવતાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. હાલ તો પટેલ પરિવારના ચારેય સભ્યોના નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન થઇ ગયાં છે પણ કેનેડાએ બતાવેલી માનવતા લોકોના દીલમાં અમર રહેશે.