અમરેલી જીલ્લાના એક વિદ્યાર્થીએ શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાસભા ભુતપૂર્વ વિદ્યાર્થી દ્વારા લોકજાગૃતિ મેરેથોન અંતર્ગત શિક્ષકો માટે ગુરુવંદના દોડ યોજાઇ હતી. જુઓ અમારો વિશેષ અહેવાલ...
ઈતિહાસકાળથી આજના આધુનિક યુગમાં પણ શિક્ષકને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. 5મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે રહેતા વિદ્યાર્થીએ શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. વિદ્યાસભા ભુતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સભ્ય ઘનશ્યામ સુદાણીએ શિક્ષકોના માનમાં પીપળવા ગામેથી અમરેલી સુધી કુલ 72 કિલોમીટરની દોડ લગાવી હતી. હાલના સમયમાં શિક્ષકો માટે અનોખી રીતે ગુરુવંદના સાથે ઘનશ્યામ સુદાણી અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યો છે, ત્યારે કોરોના મહામારીમાં શિક્ષકોની સેવાને બિરદાવી અનોખી રીતે ગુરુવંદના કરવામાં આવી હતી. જોકે સવારે શરૂ થયેલી ગુરુવંદના દોડ બપોર બાદ પૂર્ણ થતાં દોડવીર ઘનશ્યામ સુદાણીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.