/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Seminar.jpg)
ડાંગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તાજેતરમાં નવરચિત સુબિર તાલુકા મથકે બાળલગ્ન એક સામાજિક દુષણ વિષયક વર્કશોપનું આયોજન કરાયુ હતું.
સુબિર તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આયોજિત આ વર્કશોપ દરમિયાન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિત દહેજ પ્રતિબંધક-સહ-રક્ષણ અધિકારી, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-સમાજ સુરક્ષા અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પોલીસ અધિકાર, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ના પ્રતિનિધિ, આશા બહેનો, સખી મંડળના સભ્યો, આરોગ્ય કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકરો વિગેરે મળી કુલ-૧૮૦ લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન ડાંગ જિલ્લામાં બાળલગ્ન નાબુદી અર્થે કાયદાકિય જાગવાઇઓથી પણ ઉપસ્થિત લોકોને અવગત કરાવાયા હતા.
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એમ.ચૌધરીએ, ગત દિવસો દરમિયાન ડાંગ જિલ્લામાં ૧ર જેટલા બાળલગને અટકાવવામાં આવ્યા હતા તેમ જણાવી આ પૈકી એક કેસમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તેમ ઉમેર્યું હતું. જિલ્લામાં બાળલગને ઉપર નિયંત્રણ લાવવા માટે જિલ્લાના પ્રજાજનો આવી બાબતોની જાણકારી આપી શકે છે તેમ જણાવી ચૌધરીએ માહિતી/જાણકારી આપનાર વ્યક્તિનું નામ/સરનામુ ગુપ્ત રાખવામાં આવે છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાબ્દિક સ્વાગત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જાષી દ્વારા કરાયુ હતું. સંચાલન બિન સંસ્થાકિય સુરક્ષા અધિકારી નિકોલસ વણકરે કર્યું હતું.