સરકારી કામ જે કોન્ટ્રાક્ટરો લેતા હોય છે. એમને દિવાળી પૂર્વે કરેલા કામના ચેક મળી જાય તો દિવાળી ના દીવા એમના ઘરે અને કોન્ટ્રાક્ટરને કામ આપનારા, તેનું કામ કરનારા સૌ રાજીના રેડ થાય. આટલી સામાન્ય સમજણ સરકારી અમલદારોમાં હોય તો ઘેર ઘેર દીવા પ્રગટે. વાસ્તવમાં આથી વિપરિત થતું આવ્યું છે. કામ થાય લાખોનું, પેમેન્ટ થાય સેકન્ડોમાં જેથી કોન્ટ્રાક્ટરની બધી જ ગણતરી ખોટી પડે અને તેણે જેટલાને પેમેન્ટ કરવાનું હોય તેમાં કાપ મૂકે, ફાકો ચપટી બધાને આપતા તેના ઘરે ગાંઠના ગોપીચંદન કરવાનો વારો આવે.
કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા જ નથી એ કામના મળતિયા, લાગતા વળગતા એવું ઠસાવવાનો પ્રયત્ન કરે કે જે કામ મળ્યા તે મારા કારણે, મે જ અધિકારીને મોઢેમોઢ કહી દીધેલ કે કામ તો મનુભાઇને મળવુ જોઇએ. કોન્ટ્રાક્ટર વિલન અજીતની જેમ ગળેથી થૂક ઉતારતો મનોમન બોલે, આ મનુભાઇને અલીબાગથી આવ્યો હોવાનો સમજે છે. બધા ગણિત ખોટા પડ્યા હોય તો પણ કોન્ટ્રાક્ટરે રડતા કકડતા થાપડા, મઠીયા, ચોળાફળી, સક્કરપારા, ચેવડો, કાજુ કતરીના પેકેટ ગજા પ્રમાણે અને ગમ્યા પ્રમાણે લ્હાણી કર્યા વગર છૂટકો નહી.
ભર બજારમાં જેની કોડીની કિંમત પણ નથી એવા સેવકો આપણી ચારેકોર છે. માત્ર પુરૂષોનો આ ઇજારો રહ્યો નથી. સેવિકાઓની સંખ્યા પણ ચોક્કસ ગતિએ વધી રહી છે. એમની સાથેનું ડીલીંગ કોન્ટ્રાક્ટર માટે બે ધારી તલવાર પર ચાલવા જેવું. એ જે બોલે એમાં ગર્ભિત ઇશારો કયો છે તે કળવુ કોન્ટ્રક્ટર માટે કહેવુ મૂશ્કેલ. આર્થિક રીતે ધોવાણ તો નથી જ ક્યારેક ફજેતી થયાના પણ દાખલા છે.
(આ લેખ આટલે સુધી લખ્યોને એકાએક મગજમાં ઝબકારો થયો. ભાઇ ! કોન્ટ્રાક્ટરની વેદના વિશે તે લખ્યું તો ખરું પણ ભરૂચના જે વાંચનપ્રેમીઓ આ વાંચે છે. તે વિજયભાઇ કોન્ટ્રાક્ટરને પણ ઓળખતા જ હશે ! વાંચનપ્રેમી સ્વજનો માટે સ્પષ્ટતા કે મારા લેખમાં કોન્ટ્રાક્ટર લખ્યું છે તે સરકારી કામના ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટ મેળવી કામ કરતો કોન્ટ્રાક્ટર, વિજયભાઇ કોન્ટ્રાક્ટરને હું ઓળખુ છું. એ મને જાણે છે, એમને આ લેખ સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.)
હેપ્પી દિવાળી
હેપ્પી ન્યૂ યર