ખેડા : 5 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, 3 પાલિકામાં કોંગ્રેસ-અપક્ષની જીત

New Update
ખેડા : 5 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, 3 પાલિકામાં કોંગ્રેસ-અપક્ષની જીત

ખેડા જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. ભાજપ શાસિત આ પાંચ પાલિકાઓ માંથી ત્રણ પાલિકાઓ કોંગ્રેસ તેમજ અપક્ષ દ્વારા કબજે કરવામાં આવી છે. છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહેવા પામી છે.

ખેડા જીલ્લાની મહુધા,મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ શાસિત આ પાંચ પાલિકાઓમાંથી ત્રણ પાલિકા ભાજપ દ્વારા ગુમાવી દેવામાં આવી છે. જેમાં છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી છે. મહુધા નગરપાલિકામાં કોંગ્રેસના મિનાજબાનુ મલેકે ભાજપના વિધીબેન પટેલને હરાવી વિજય મેળવ્યો હતો. મિનાજબાનુને 13 મત મળ્યા હતા. જ્યારે વિધીબેનને 10 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના શાહીદખાન પઠાણ ઉપપ્રમુખ તરીકે ચુંટાયા હતા.

ડાકોર અને ખેડા નગરપાલિકા અપક્ષ દ્વારા કબજે કરવામાં આવી છે. જેમાં ડાકોર નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદે પ્રમુખપદ ગુમાવ્યું હતું. ભાજપના 4 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અપક્ષની જીત થઈ હતી. પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય મયુરીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશભાઈ ભટ્ટ બિનહરીફ જાહેર થયા હતા. ખેડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે અપક્ષ પ્રિયંકાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ભાનુમતીબેન વાધેલા ચુંટાઈ આવ્યા છે.

જ્યારે મહેમદાવાદ અને ચકલાસી નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવામાં આવી છે. મહેમદાવાદમાં પ્રમુખ તરીકે શીલાબેન વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાધેલા ચુંટાયા છે. જ્યારે ચકલાસી નગરપાલિકામાં સંગીતાબેન આઈ.વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ વાઘેલા ચુંટાયા છે.

Latest Stories